SANDY PATEL,
તો તમે પણ તમારો પોતાનો બ્લોગ બનાવવાનું નક્કી કરી લીધું, બરાબર? સરસ.આ લેખમાં બ્લોગ બનાવવા વિશે, ટૂંકમાં પણ એકડેએકથી જાણીએ. બ્લોગ બનાવવા માટે દુનિયાભરમાં મુખ્યત્વે ગૂગલની ‘બ્લોગર' અને ‘વર્ડપ્રેસ' સાઇટ અત્યંત લોકપ્રિય છે. હાલના ગુજરાતી બ્લોગર્સે મોટા ભાગે વર્ડપ્રેસ પર પસંદગી ઢોળી હોવાથી આપણે એનું જ ઉદાહરણ લઈને ચાલીએ.
બ્લોગ બનાવવા માટે માત્ર ઇચ્છા પૂરતી નથી. દુનિયાભરના વાચકો સાથે વહેંચી શકાય એવી કોઈ પણ સામગ્રી - લખાણ, ફોટોગ્રાફ કે વિડિયો - તમારી પાસે હોવાં જોઈએ. કંઈ નહીં તો છેવટે મનમાં ઊગે એ વાત નિખાલસતાથી લખવાની તૈયારી તો જોઈએ જ. કોઈ ગુજરાતી બ્લોગમાં જ વાંચ્યા અનુસાર, અત્યારે લગભગ ૮૦ ટકા ગુજરાતી બ્લોગમાં કવિતા - સ્વરચિત કે બીજાની - પ્રસ્તુત થાય છે, એટલે તમે કોઈ નવો વિષય શોધીને એ વિશે નિયમિત લખો તો વધુ સારું.
તો, આપણી આ બ્લોગસફરનું પહેલું સ્ટેશન છે http://gu.wordpress.com ગુજરાતી બ્લોગર્સ માટે વર્ડપ્રેસની આ ગુજરાતીમાં સેવા છે (માત્રhttp://wordpress.com પર જશો તો અંગ્રેજી પેજ ઓપન થશે). ગુજરાતી પેજ પર, વિવિધ ગુજરાતી બ્લોગ પર મુકાયેલી તાજી પોસ્ટ પણ જોવા મળશે. ગીત, ગઝલ, સાહિત્ય વગેરે જુદા જુદા ‘ટૅગ' પણ જોવા મળશે, જેની ઉપર ક્લિક કરતાં એ વિષય પર મુકાયેલી સંખ્યાબંધ પોસ્ટ જોવા મળશે.
પણ થોભો, આપણે બીજાનું નથી વાંચવું, લોકો આપણું વાંચે એવું કરવું છે!
માટે, મુખ્ય પેજ પર સૌથી ઉપર, ‘સાઇન અપ નાઉ'ની લિંક પર ક્લિક કરો. આથી બાજુમાં દર્શાવેલું પેજ ઓપન થશે. આ પેજ પર, તમને મનગમતું યુઝરનેમ, પાસવર્ડ (તમને યાદ રહે એવો પસંદ કરજો!) અને ઇ-મેઇલ પૂછવામાં આવશે. તમારું યુઝરનેમ જ તમારા બ્લોગનું એડ્રેસ બનશે, એટલે તેની પસંદગી કાળજીપૂર્વક કરજો. તમે આપેલું યુઝરનેમ અગાઉ કોઈએ લઈ લીધું હશે તો તમારે નવું કોઈ યુઝરનેમ આપવાનું રહેશે.
બસ, હવે તમે મુખ્યત્વે કઈ ભાષામાં બ્લોગિંગ કરશો એ જણાવો એટલે વર્ડપ્રેસ તમે જણાવેલા ઇ-મેઇલ પર એક્ટિવેશન લિંક મોકલશે. તમારા ઇ-મેઇલ પ્રોગ્રામમાં જઈ, એ લિંક પર ક્લિક કરો એટલે તમારો બ્લોગ તૈયાર! ક્લિક કરતાં જ, વર્ડપ્રેસનું લોગ-ઇનનું પેજ ખૂલશે, અહીં યુઝરનેમ,પાસવર્ડ આપો એટલે તમારા બ્લોગનું ડેશબોર્ડ ખૂલશે.
આ ડેશબોર્ડ કે સમજો કે તમારી કારનું ડેશબોર્ડ. અહીંથી બધું થાય! બ્લોગની ડિઝાઇન પસંદ કરવી, નવી પોસ્ટ મૂકવી, નવું પેજ લખવું, જૂની પોસ્ટ મેનેજ કરવી, વગેરે બધું અહીંથી થશે. પણ, જેમ કાર ડ્રાઇવરની બાજુમાં બેઠેલી વ્યક્તિ ચલાવી ન શકે એમ, અહીંથી આગળ તમારે જાતે જ વધવાનું રહેશે. ખાંખાખોળાં કરશો, આમતેમ ક્લિક કરશો, વધુ વાંચશો તેમ તેમ વધુને વધુ સમજ કેળવાશે.
ઓલ ધ બેસ્ટ!
hmm..
ReplyDelete